રસીકરણ વિશે સામાન્ય પ્રશ્નો

પહેલાના સમયમાં તો આટલી બધી રસીઓ આપવી ન્હોતી પડતી તો હવે શામાટે ?

પહેલાના સમયમાં વિજ્ઞાનની પ્રગતિ ખૂબ મર્યાદિત હતી અનેક ચેપી રોગની સામે ની રસીઓ ઉપલબ્ધ ન હતી. આથી અનેક બાળકોને આવા ચેપી રોગનો ભોગ બનવુ પડતુ હતુ. દા.ત. શીતળાનો રોગ ખૂબ જ જીવલેણ હતો અને તેની સામેનુ રસીકરણ શોધાયુ તે પહેલા અનેક લોકો તેનો ભોગ બન્યા. આજે વર્ષો પછી શીતળાનો રોગ નાબૂદ થઈ ચૂક્યો હોઈ હવે તેના સામે રસીકરણ ની જરુર નથી. આજ રીતે આજે ઉપલબ્ધ રસીઓ દ્વારા હાલના રોગ પણ નાબૂદ થશે. આમ વિજ્ઞાનની પ્રગતિએ રસીકરણ દ્વારા અનેક રોગ સામે લડવાને નવી રસીઓ આપી છે જે ખરેખર વરદાન છે અને આથી જ કદાચ હાલ અગાઉની સરખામણી એ ગંભીર ચેપી રોગનું સંક્રમણ ઘટ્યુ છે પણ રસીઓની સંખ્યા વધી છે...!

શું રસીકરણ આટલા નાના બાળકને કરવુ જરુરી છે?

‘આગ લાગે ત્યારે કૂવો ખોદવા ન બેસાય !’ , તેમ રોગ થાય તે પહેલા તેને અટકાવવા ના પગલારુપે રસીકરણ કરવુ જરુરી છે. ઘણા ખરા ગંભીર ચેપી રોગો ખૂબ નાની વયમાં થઈ શકે છે. દાત. મોટી ઉધરસ ના 70 ટકાથી વધુ કેસ છ માસથી નાની વયમાં થાય છે અને મોટી ઉધરસથી મૃત્યુ પામતા 80 ટકાથી વધુ બાળકો છ માસથી નાની વયના હોય છે. આથી નાની વયે કદાચ બાળક્ને એક સોયની પીડા આપવાથી કદાચ જીવન ભરની પીડા માંથી ઉગારી શકાય છે.

શું રસીઓથી મારા બાળકને કોઈ નુક્શાન થઈ શકે?

કોઈપણ રસીને બાળકોમાં વાપરવાની પરવાનગી મેળવતા પહેલા ઉત્પાદન કર્તા કંપનીએ ત્રણ જુદા-જુદા તબક્કાના વિવિધ પરિક્ષણો માંથી પસાર થવુ પડે છે અને લાખો ડોઝ રસીના વપરાયા બાદ જો તેમાં કોઈ જ ખરાબી જ જણાય અને બાળકોમાં વાપરવામાં કોઈ મુશ્કેલી ન જોવા મળે તો જ તેને આ માટે લાયસંસ (જેતે દેશની અધિકારીક પરવાનગી) મળે છે.આમ રસીકરણ થી મહદ અંશે કોઈ નુક્ક્શાન ન થાય તેની ઘણી તકેદારી લેવાય છે. ક્યારેક ભાગ્યેજ કોઈ બાળકને તેના શરીરની તાસીર અનુસાર આડ અસર કે રીએક્શન આવી શકે ଒પણ આ એક અકસ્માત જ ગણવો રહ્યો.

જો બાળકને રસીનો એકાદ ડોઝ દેવાનુ ભૂલાઈ જાય તો શું કરવુ?

સામાન્ય રીતે રસીકરણની ઉંમર રોગના થવાની શક્ય સમયરેખા મુજબ ગોઠવાયેલ છે આથી રસીકરણ ની તારીખોનું યોગ્ય સમયસર પાલન કરવુ જરુરી છે. જોકે આમાં એકાદ અઠવાડીયા જેટલુ આગળ- પાછળ થઈ શકે પરંતુ આ નિર્ણય આપના બાલરોગ નિષ્ણાતની પરવાનગીથી લેવો. રસીકરણની બાબતમાં શરીરની યાદશક્તિ ઘણી અદભૂત હોય છે કોઈપણ રસીના એક ડોઝની સામે પેદા થયેલી શક્તિની પ્રક્રિયા યાદ રાખવામાં આવે છે અને આથી જ કોઈ વખતે રસીનો બીજો કે ત્રીજો ડોઝ જો યોગ્ય સમય પર ન લેવાય તો પણ જ્યારે બીજો ડોઝ લેવામાં આવે ત્યારે આગળ ના ડોઝની અસર પછીથી કામ આગળ ધપે છે.

સામાન્ય શરદી કે ઝાડામાં રસીકરણ કરાવી શકાય કે નહિ?

સામાન્ય શરદી – હળવા તાવ કે સામાન્ય ઝાડા કે જેમાં બાળક્ની તબીયત ખાસ ખરાબ ન હોય તો તબીબી સલાહ અનુસાર રસીકરણ કરવી શકાય.

વૈકલ્પિક રસીઓ એટલે શું ?

ઈંડીયન એકાડમી ઓફ પિડીયાટ્રીક્સ દ્વારા કેટલીક રસીઓ આપતા પહેલા જે-તે બાળકને તે રોગ થવાનુ જોખમ, ખર્ચનુ આર્થિક પાસુ, રસીની અસરકારકતા અને રસી વિશે હાલના તબક્કે ઉપલ્બ્ધ વૈજ્ઞાનિક સલાહ વિશે બાલરોગ વિશેષજ્ઞ માતા-પિતાની સાથે યોગ્ય ચર્ચા કરીને જો માતા પિતાને જરુર જણાય તોજ આપવાનુ કહ્યુ છે. આ રસીઓ વૈકલ્પિક રસીઓ તરીકે ઓળખાય છે.

ઈંડીયન એકાડમી ઓફ પિડીયાટ્રીક્સ એટલે કઈ સંસ્થા અને તેની ભલામણો કેવી રીતે અપાય છે?

ભારતભરના બાલરોગ નિષ્ણાતોનુ સંગઠન ઈંડીયન એકાડમી ઓફ પિડીયાટ્રીક્સ તરીકે ઓળખાય છે.આ સંસ્થાની વિવિધ કમિટીઓ બાળકોના આરોગ્ય સંબધી વિવિધ ક્ષેત્રો માં થતા વિવિધ સંશોધનો પર સતત નજર રાખે છે અને દરેક નવી દવા કે સારવાર સંબધી વિવિધ બાબતોના જુદા-જુદા પાસા તપાસીને ભારતમાં ઉપયોગી થઈ શકે તેવી બાબતો ને અપનાવવા અંગેની સલાહ આપે છે. આ સંસ્થાની સલાહ નો ઉપયોગ ભારત સરકાર પણ બાળ આરોગ્ય સંબંધી વિવિધ નિર્ણયોમાં કરે છે. આ સંસ્થાની બાળકોમાં રસીકરણ અંગેની વિશેષજ્ઞ કમિટી કે જેમાં આ ક્ષેત્રના નિષ્ણાત તજજ્ઞો સામેલ હોય છે તે પ્રતિ વર્ષ રસીકરણ અંગે જરુરી દિશા નિર્દેશો અને નવીનતમ આધારભૂત અને વ્યાવાસાયિક હિતોથી પર એવી નિઃસ્વાર્થ માહિતી પૂરી પાડે છે. જેના આધારે ભારતભરના બાળરોગ નિષ્ણાતોને ઉપયોગી માર્ગદર્શન મળે છે.

સરકારશ્રી દ્વારા ભારત ભરમાં અપનાવાયેલ રસીકરણ કાર્યક્રમ માં મળતી રસીઓ (સરકારી કેન્દ્ર પર મફત રસીકરણ ઉપલબ્ધ) કેટેગરી 1 સરકારી રસીકરણ ઉપરાંત ઈન્ડીયન એકાડમી ઓફ પિડીયાટ્રીક્સ દ્વારા ભળામણ કરાયેલ અન્ય રસીઓ કેટેગરી 2 ઈન્ડીયન એકાડમી ઓફ પિડીયાટ્રીક્સ દ્વારા માતા-પિતા સાથે ચર્ચા પછી જો જરુરી જણાય અને આર્થિક રીતે યોગ્ય જણાય તો જ આપવાની ભળામણ કરાયેલ રસીઓ કેટેગરી 3 માત્ર ખાસ કિસ્સામાં જરુરી રસીઓ કેટેગરી 4
બી.સી.જી. હીપેટાઈટીસ-બી ન્યુમોનિયા રસી(PCV-7) હડકવા
પોલિયોના ટીપા હીબ હીપેટાઈટીસ- બી ઈન્ફ્લ્યુએંઝા
ડી.પી.ટી. પોલિયો ઈંજેક્શન અછબડા જાપાનીઝ એંસેફેલાઈટીસ
ઓરી એમ.એમ. આર ડી.ટી.એ.પી.(D.T.aP) મેનિંગોકોકલ
ધનુર (ટી.ટી.) ટાઈફોઈડ રોટા વાઈરસ પી.પી.વી 23
ટી. ડી (Td)
ટી.ડેપ (Tdap)
એચ.પી.વી. (H.P.V.)
કેટેગરી 2 : આ રસીઓ ઉપયોગી છે અને માતા પિતાને આર્થિક રીતે પરવડે તો આપવાની ભલામણ છે. કેટેગરી 3 : આ રસીઓની ભારતીય બાળકોમાં ઉપયોગીતા કેટેગરી-2 કરતા ઓછી મનાય છે પરંતુ જો માતા-પિતા સાથે ચર્ચા પછી જરુરી જણાય અને આર્થિક રીતે પરવડે તો જ આપવાની ભળામણ કરાયેલ છે.

વિદેશ જવુ હોય તો બાળકનું કોઈ વિશેષ રસીકરણ કરાવવુ પડે?

બાળકનો જન્મ જો ભારતમાં થાય તો હંમેશા રસીકરણ ભારતીય રસીકરણ પત્રક મુજબ શરુ કરવુ જોઈએ. જો વિદેશ જવાની તારીખ નક્કી હોય તો આ તારીખે બાળકની અંદાજીત ઉંમર અનુસાર બાળકનુ રસીકરણ પ્રથમતો ભારતીય રસીકરણ મુજબ પૂર્ણ હોવુ જોઈએ. આવા બાળકોને પ્રારંભિક સાથે વૈકલ્પિક રસીઓ પણ આપવાથી મહદ અંશે પ્રથમ બે વર્ષના રસીકરણમાં કોઈ ખાસ ફરક નહી પડે. રસીકરણ માં વધુ ફેરફાર વિદેશથી ભારત આવનાર અને લાંબો સમય ભારતમાં રહેનાર બાળકના રસીકરણ પત્રક માં સર્જાઈ શકે. જોકે દરેક દેશની પોતાની રસીકરણ જરુરીયાત અલગ-અલગ હોવાથી એકાદ રસીકરણ વધુ અપાવવુ પણ પડે દા.ત. યુ.કે. સરકારના રસીકરણ પત્રકમાં 2 માસની ઉંમરે મેનીંજાઈટીસ સીની રસીનો ઉલ્લેખ છે જે ભારતીય રસીકરણ કે યુ.એસ.એ. ના રસીકરણ માં અપાતુ નથી. યુ.એસ. ના રસીકરણ પત્રક મુજબ ઓરીની રસી બાર માસે અપાય છે જ્યારે ભારતીય રસીકરણ માં આ રસી નવ માસે અપાય છે. ટૂંકમાં આ માટે ઈંટરનેટના માધ્યમથી બંને દેશોના રસીકરણ પત્રકો જોવા પડશે અને નિષ્ણાતની સલાહ લેવી જરુરી બને છે.