રસીકરણથી રોગપ્રતિકારક શક્તિ

બેક્ટેરીયા કે વાઈરસ ને સૌ પ્રથમ લેબોરેટરીમાં ખાસ પ્રક્રિયા દ્વારા અધમૂઆ કરી દેવાય છે કે જે પછી રોગ પેદા કરવાની શક્તિ ગુમાવી બેસે છે. આવા ખાસ પ્રકારના બેકટેરીયા કે વાઈરસ રસીકરણ દ્વારા ઈંજેક્શન દ્વારા એક નિયત પ્રમાણમાં માનવ શરીરમાં દાખલ કરાય ત્યારે શરીર ની રક્ષા પ્રણાલિ તેની સામે લડીને એ રોગ માટે જરુરી અનુભવ કેળવી લે છે અને તેને યાદ કરી લે છે જેથી રોગ પ્રતિકારક શક્તિ જન્મે છે.

આવા સમયે રોગ થવાનુ જોખમ હોતુ નથી કારણકે દાખલ કરાયેલ બેક્ટેરીયા કે વાઈરસ અધમૂઆ કે મૃતઃપાય કરાયેલ હોય છે. હવે જો આજ રોગનો કુદરતી રીતે હુમલો થાય તો શરીર રસીકરણ ના અનુભવને યાદ કરીને રોગકર્તા બેક્ટેરીયા કે વાઈરસને મારી નાખે છે અને શરીરનો રોગ થી આબાદ બચાવ થાય છે. આમ રસીકરણ દ્વારા થયેલી નેટ-પ્રેક્ટીસ શરીરને સાચુકલા મેચ માં વિજેતા બનાવે છે!!

ઘણા ખરા નવીનતમ રસીકરણમાં હવે માત્ર બેકટેરેયા કે વાઈરસના શરીરના પ્રોટીન કે એકાદ ભાગનો જ ઉપયોગ થાય છે અને તેની સામે લડતનો અનુભવ કેળવી ને શરીરને ભાવિ રોગના સંક્રમણ સામે તૈયાર કરવામાં આવે છે. સામાન્ય રીતે રસીઓ તેમાં વપરાતા પદાર્થને આધારે બે પ્રકારમાં વહેંચી શકાય છે.

  1. જીવિત રસી (live vaccine)- આમાં રસીમાં જીવિત પરંતુ અધમૂઆ કરેલા અને રોગ પેદાન કરી શકે તેવા બેક્ટેરીયા કે વાઈરસ વાપરવામાં આવે છે. આથી આ રસીને જીવિત રસી કહેવાય છે. ઉદાહરણ – ટી.બી માટેની બી.સી.જી. ઓરી અછબડા વગેરે રસીઓ
  2. અજીવ રસી – આમાં સામાન્ય રીતે બેકટેરીયાના શરીરના વિવિધ પદાર્થોના પ્રોટીન અણુઓ નો ઉપયોગ કરાય છે. આમાં કોઈજ જીવિત પદાર્થ હોતો નથી. ઉદાહરણ – હીપેટાઈટીસ –બી  ડી.પી.ટી (ત્રિગુણી) વગેરે.

જિવિત રસીના સજીવ પદાર્થો કે મૃત રસીના પ્રોટીન બગડી ન જાય તે માટે તમામ રસીઓને એક નિયત ચોક્કસ તાપમાને ઠંડી રાખવી પડે છે નહી તો તેની અસરકારકતા ઘટી જવા પામે છે. આથી શક્ય હોય ત્યાં સુધી સર્ટિફાઈડ ડોકટર-હોસ્પિટલ  કે સરકારી કેંદ્રો પર જ રસીકરણ નો આગ્રહ રાખવો. ઘણી વાર મોટા કેમ્પની અંદર રસીકરણ કાર્યક્રમો યોજાય ત્યારે આયોજકોએ રસીઓનુ તાપમાન જાળવવા ખાસ આયોજન કરવુ જોઈએ. જેથી દર્દીને રસીકરણનું યોગ્ય પરિણામ મળે અને કેમ્પ આયોજન સફળ થાય.