રસીકરણ વિશેની ગેરમાન્યતાઓ

રસીકરણથી બાળકને નુક્શાન થાય છે .

રસીકરણ માટે વપરાતી રસીઓ ને બાળકોમાં વપરવાની પરવાનગી મેળવતા પહેલા અનેક પરિક્ષણમાંથી પસાર થવુ પડે છે. અનેક સુરક્ષા માપ દંડો માંથી પસાર થયેલી આ રસીઓ સમાન્યતઃ બાળકો માટે સુરક્ષિત ગણી શકાય છે. પરંતુ રસી પણ આખરે એક દવા જ છે અને ક્યારેક તેની આડ અસર પણ થઈ શકે છે. જે ખૂબ જ જૂજ કિસ્સામાં બનતુ જોવા મળે છે. આ માટે દરદીના શરીરની તાસીર પણ જવાબદાર હોઈ શકે છે. આવી જૂજ આડ અસરને લઈ ને રસીઓ ને બિન સુરક્ષિત કે નુકશાન કારક ન ગણી શકાય.

પોલિયોના ટીપા પીવડાવવાથી બાળકોને વંધ્યત્વ(sterility) આવે છે.

આ એક તદ્દન અવૈજ્ઞાનિક વાત છે અને સત્ય થી તદ્દન વેગળી છે. સમગ્ર વિશ્વમાં અબજો ડોઝ પોલિયો રસીના પીવડાવવા પછી પણ આ બાબત અંગે કોઈ જ મેડીકલ પ્રમાણ જોવા મળેલુ નથી.

પોલિયોના ટીપા પીવડાવ્યા એટલે રસીકરણ પૂરુ...!

આ પણ એક ખોટી માન્યતા છે. પોલિયોના ટીપાથી માત્ર પોલિયો રોગ સામે રક્ષણ મળે છે બીજા અનેક રોગ સામે રસીકરણ વગર રોગ-પ્રતિકારકતા આવતી નથી. વારંવાર થતા પલ્સ પોલિયો અભિયાન અને તેના પ્રચારને લીધે ક્યારેક લોકો આ ગેર સમજ બાંધી લેતા જોવા મળે છે. બાળકને તંદુરસ્ત રાખવા તેને બધી રસીઓ સમયસર અપાવી જોઈએ.

એકસાથે ઘણી રસીઓ આપવાથી બાળકને નુક્શાન થાય છે.

માનવ શરીર એક સાથે ઘણી રસીઓ સ્વીકારવા અને તેને અનુરૂપ રોગ પ્રતિકારક શક્તિ પેદા કરવાની અદભૂત શક્તિ ધરાવે છે. આથી જ્યારે કોમ્બીનેશન / સમુહ રસી આપવામાં આવે ત્યારે શરીરને માટે કોઈ જ મુશ્કેલી સર્જાતી નથી, ઉલ્ટુ આ બધી રસીઓ સાથે લાગવાથી અલગ અલગ સોય લગાવવાની પીડામાં થી શિશુને મુક્તિ મળે છે.

બી.સી.જી. ની રસી પાકે નહિ તો રોગ પ્રતિકારક શક્તિ ઉત્ત્પન્ન ન થાય ...!

બી.સી.જી. ની રસી આપ્યા બાદ લગભગ 10% થી ઓછા બાળકોને ક્યારેય રસી પાકવાની કે ડાઘ પેદા થવાની પ્રક્રિયા થતી નથી. છતા પણ આવા મોટા ભાગના બાળકોનું વૈજ્ઞાનિક પરિક્ષણ દર્શાવે છે કે તેમનામાં રોગપ્રતિકારક શક્તિ મોજૂદ હોય છે. વળી ઘણી વાર રસીકરણ પછી ફોલ્લી ન પણ થાય કે માત્ર નાની ફોલ્લી થાય તો પણ રસીથી પેદા થનાર રોગ પ્રતિકારક શક્તિ મોટા ભાગના બાળકોમાં પેદા થઈ જતી હોય છે. જો આપને વધુ ચિંતા થતી હોય તો 3 મહિના બાદ બાળ રોગ વિશેષજ્ઞનો અભિપ્રાય લેવો.

જેમાં બાળકને તાવ આવે તે રસી નહી સારી ...!

રસીકરણ પછી તાવ આવવો એ શરીરની પ્રતિ રક્ષા પ્રણાલીની સામાન્ય કાર્યવાહીનુ લક્ષણ છે અને 24 -48 કલાક સુધી આવુ બનવુ સામાન્ય ગણી શકાય છે. આનાથી ગભરાવાની જરુર નથી. ડી.પી.ટી. જેવી રસીમાં આ સામાન્ય રીતે જોવા મળે છે. આવા સમયે ડોક્ટરની સલાહ અનુસાર પેરાસીટામોલ દવા લઈ શકાય.