કુદરતી રોગપ્રતિકારક શક્તિ

રોગ સામે રક્ષણ આપવા માનવ શરીર માં એક સુંદર પ્રતિરક્ષા પ્રણાલી છે. જ્યારે પણ કોઈ રોગ પેદા કરતા  બેકટેરીયા કે વાઈરસ શરીરમાં દાખલ થાય છે ત્યારે આવા શત્રુ વિશે કોઈ સુનિયોજીત સુરક્ષા વ્યવસ્થા હોતી નથી આથી રોગના લક્ષણો દેખાય છે. આ રોગ સામે આપણા શરીરના શ્વેતકણો લડત આપી તેમને મારી નાખી રક્ષણ આપે છે.

આ એક જટીલ પ્રક્રિયા છે જેમાં શ્વેતકણ શત્રુ બેક્ટેરીયા કે વાઈરસ સામે એક પ્રતિક્રિયા કરતુ પ્રતિદ્રવ્ય રુપી રસાયણ બનાવે છે કે જેના પ્રભાવ થી બેકટેરીયા કે વાઈરસ નાશ પામે છે. આ પ્રક્રિયા જ્યારે શરીર પ્રથમ વાર કરે છે ત્યારે તેને ઘણો સમય લાગે છે કારણ કે આ માટે કોઈ માહિતી હોતી નથી અને તેથી રોગના લક્ષણ જોવા મળે છે. આ પ્રતિદ્રવ્ય બનાવવાની પ્રક્રિયા અને તેને કયા બેક્ટેરીયા કે વાઈરસ સામે વાપરવાનુ છે તેની સંપૂર્ણ માહિતી એક ખાસ પ્રકારના શ્વેત કણ કે જેને મેમરી સેલ તરીકે ઓળખવામાં આવે છે તેમાં યાદ રાખવામાં આવે છે. હવે ભવિષ્યમાં જો એજ બેક્ટેરીયા કે વાઈરસ ફરી હુમલો કરે તો આ યાદ કરેલી માહિતીના આધારે શરીર ખૂબ જ ઓછા સમયમાં પ્રતિદ્રવ્ય બનાવી લે છે અને તેના પ્રયોગ થી બેક્ટેરીયા કે વાઈરસ નો નાશ થાય છે અને શરીરમાં રોગ થતો નથી. આમ આ સમગ્ર પ્રક્રિયા માં શરીર રોગ ગ્રસ્ત તો જ થાય છે કે જ્યારે તેને રોગના વાઈરસ કે બેક્ટેરીયા વિશે લડવાનો અનુભવ ન હોય કે તેના વિરુધ્ધ પ્રતિદ્રવ્ય બનાવવાની શક્તિ ન હોય.