રસીકરણ શા માટે?

ગુજરાતી ભાષામાં કહેવત છે કે ‘ આગ લાગે ત્યારે કુવો ખોદવા ન બેસાય! ’ – એટલે કે જ્યારે મુસીબત આવી પડે ત્યાર પછીના પ્રયત્નો નિરર્થક હોય છે પણ જો આગમચેતીથી આવનારી મુસીબત માટે તૈયારી કરીને રાખવામાં આવે તો તેને અટકાવી શકાય છે. બિમારી કે રોગ નુ પણ એવુજ છે. કેટલાક રોગ થયા પછી તેની સારવાર ખૂબ અઘરી અને ઘણી વાર અશક્ય હોય છે અને અંતે દર્દી માટે જીવલેણ નીવડે છે. પણ આવા ઘણા રોગને અટકાવવા નો અસરકારક ઉપાય છે – રસીકરણ .

રસીકરણ દ્વારા ખૂબ ઘાતક અને ગંભીર પ્રકારના રોગ પણ રોક લગાવી શકાય છે. દા.ત. ડીપ્થેરીયા રોગ જો થાય તો શિશુ માટે પ્રાણ ઘાતક નીવડી શકે છે પણ રસીકરણ થી તેને ચોક્કસ અટકાવી શકાય છે.

અમુક રોગ કદાચ પ્રમાણ માં ઓછા ઘાતક છે અને દર્દીનુ મૃત્યુ ન પણ થાય પણ તેની આડ અસરો અને બિમારીના સમય દરમ્યાન બિન કાર્યક્ષમ રહેવાથી થતુ નુકશાન ઘણુ મોટુ હોય છે . દા.ત. ઓરીનો રોગ કદાચ સીધી રીતે શિશુને પ્રાણ ઘાતક ન પણ બને પણ તેના કારણે થતી અન્ય તકલીફો જેવી કે ન્યુમોનિયા કે લાંબા સમય ચાલતા ઝાડાની બિમારીથી શિશુને ઘણુ નુકશાન થાય છે તેનો વિકાસ અટકી જાય છે. જ્યારે અછબડા જેવી બિમારી સામાન્ય રીતે જાન્યુઆરી થી એપ્રીલ માસમાં થતી હોય છે જે સમય દરમ્યાન શાળા કોલેજોમાં પરીક્ષાઓનો હોય છે અને તે દરમ્યાન એકાદ અઠવાડીયાની માંદગી બાળકને અભ્યાસમાં પાછળ કરી શકે છે. વળી અછબડામાં રહી જતા ચહેરા પરના ડાઘ કયારેક સૌદર્ય પ્રત્યે વધુ સભાન બાળકમાં(ખાસ કરી ને કિશોરીઓમાં) લઘુતાગ્રંથિ પણ લાવી શકે છે.

આમ રસીઓ માત્ર જીવ બચાવવા માટે જ નહી પણ સંપૂર્ણ સ્વસ્થ જીવન જીવવા પણ જરુરી છે. ઘણા રોગ અને બિમારીની હોસ્પીટલોમાં સારવાર શક્ય છે અને કદાચ આડરસરો માંથી પણ બચી શકાય પણ સરવાળે જો હિસાબ માંડવામાં આવે તો થતુ આર્થિક નુકસાન અને સમય નો વ્યય હંમેશા રસીકરણની કિંમત થી ઓછો જ હોય છે.

રસીકરણ માત્ર આપના બાળકને જ રક્ષણ નથી આપતુ એ સમાજને પણ ઉપયોગી થાય છે . કેટલાક બાળકો કે જે કદાચ આપના બાળકની સાથે સ્કૂલમાં ભણતા હશે કે ઘરની નજીક સાથે રમતા હશે કે જે પોતે રસીકરણ લેવા છતા પણ જરુરી રોગ પ્રતિકારક શક્તિ પેદા નહી કરી શકતા હોય કે ઓછી રોગ પ્રતિકારક શક્તિ પેદા કરતા હશે એમના માટે પણ આપના બાળકને રોગ ન થાય તે આશીર્વાદ રુપ બની શકશે.

જો બાળકો ઓછા માંદા પડે તો આરોગ્ય લક્ષી સેવાઓ નો ખર્ચ ઘટે છે. માતા-પિતા પોતાનુ કાર્ય સંભાળી શકે છે જેથી એમની સેવાઓ જેતે ક્ષેત્રમાં સતત પ્રાપ્ય રહે છે.

આમ રસીકરણ દ્વારા રોગ અટકાવવાથી એક તંદુરસ્ત સમાજ અને કાર્યક્ષમ રાષ્ટ્રનુ નિર્માણ થાય છે.આથી દેશ ના વિકાસમાં આપ સીધો સહયોગ કરો છો. આ પણ એક પ્રકારે દેશ સેવા જ ગણી શકાય છે. રસીકરણ દ્વારા અનેક રોગોની નાબૂદી શક્ય છે. દા.ત. શીતળાનો રોગ આપણે નાબૂદ કર્યો છે અને હવે તેનુ રસીકરણ જરુરી નથી. આમ જો યોગ્ય રસીકરણ કાર્યક્રમો અને વિવિધ ઝુંબેશ ચાલુ રહેશે તો બીજા અનેક રોગ માંથી આવનારી પેઢીને મુક્તિ મળી જશે. આવી જ એક મોટી ઝુંબેશ ભારતમાં આપણે પોલિયો નાબૂદી માટે ચાલુ છે.