વેબસાઈટ વિશે

બાળકના જન્મ પછી આ વિશ્વમાં આપણુ પ્રથમ કાર્ય છે આપણા આ સંતાનને રક્ષણ આપવુ. આ રક્ષા શિશુને અનેક પ્રકારે મળે છે, જેમકે માતા પોતાના પ્રેમ-હૂંફ અને ધાવણ થી આપે છે તો પિતા તેની આર્થિક અને સામાજીક જવાબદારીઓ અદા કરીને આપે છે. આવીજ એક રક્ષા આપણે તેની કરવાની છે ચેપી રોગથી અને તેના માટે જરુરી છે રસીકરણ. રસીકરણ એક એવુ રક્ષાસૂત્ર છે જે દરેક પરિવાર પોતાના વ્હાલસોયા સંતાનને બાંધી અનેક ચેપી રોગ સામે તેનુ ભાવિ સુરક્ષિત કરી શકે છે.

વૈજ્ઞાનિક સંશોધનોની હરણફાળે ચિકિત્સા ક્ષેત્રે ઘણા લા-ઈલાજ ચેપી રોગ માટે જવાબદાર બેક્ટેરીયા અને વાઈરસ સામે રક્ષણ આપતી રસીઓ શોધી કાઢી છે પરંતુ આ લિસ્ટ લાંબુ થતુ ગયુ તેમ માતા-પિતાને માટે મૂંઝવણો પણ વધતી ચાલી છે. વળી દર થોડા સમયે આવતી નવી રસીઓ અને નવા દિશા નિર્દેશોએ આ ગૂંચ થોડી બેવડાવી છે. જ્યારે બીજી તરફ પોતાના વ્યવસાયિક હિતોને ધ્યાનમાં રાખીને ઘણી કંપનીઓ આ માટે ઘણો પ્રચાર અને અપ્રચાર પણ કરતી હોય છે જે સામાન્ય માણસ માટે સમજવો ઘણો મુશ્કેલ છે અને પોતાના શિશુ માટે કંઈપણ કરી છૂટવા માટે તત્પર માતા પિતા ઘણી વાર પોતાની આર્થિક શક્તિથી ઉપરવટ જઈને પણ આ માટે બિનજરુરી ખર્ચ કરી બેસે છે જે અયોગ્ય છે. આવા સમયે બાળરોગ ચિકિત્સકો અને રસીકરણ કરતા તમામ ડોક્ટર મિત્રો પાસે માતા-પિતા એક સાચી સલાહની અપેક્ષા રાખે છે. પરંતુ દરેક રસીકરણ અંગે અનેક પાસાઓ જેમકે બાળકને તે રોગ થવાનુ જોખમ, ખર્ચનુ આર્થિક પાસુ, રસીની અસરકારકતા અને રસી વિશે હાલના તબક્કે ઉપલ્બ્ધ વૈજ્ઞાનિક સલાહ વિ. ને વિસ્તૃત રીતે સમજાવવુ સમયની વ્યસ્તતાને લીધે લગભગ અશક્ય હોય છે. રસીકરણ વિશે નિષ્પક્ષ અને સાચી વૈજ્ઞાનિક માહિતી આપતા પુસ્તકો અંગ્રેજી માં અને મેડીકલ ભાષા માં હોવાથી ડોક્ટર મિત્રો પોતાના દર્દીઓને આવુ કોઈ સાહિત્ય આપી શકતા નથી. જેથી માતા-પિતા ને પોતાને ઉદભવતા પ્રશ્નો નુ નિરાકરણ થતુ નથી. આમ આ સંદર્ભે સરળ શબ્દોમાં કામની વાત કરે તેવા લોક ભોગ્ય સાહિત્ય ની ખૂબ તાતી જરુરીયાત મને જણાય છે.

બસ ! આ વેબસાઈટ આ તમામ પાસાઓ ને ધ્યાન માં રાખી અને ડોક્ટર મિત્રો અને માતા-પિતા વચ્ચે ખૂટતી કડી બનવાને લખાયુ છે. વેબસાઈટમાં કોઈપણ વ્યાવાસાયિક હિત વગર તટસ્થ અને માત્ર વૈજ્ઞાનિક બાબતો પર આધારીત વાત સરળ રીતે રજૂ કરવાનો પ્રયત્ન કર્યો છે. આ વેબસાઈટ મુખ્યત્વે અનેક તટસ્થ વૈજ્ઞાનિક પુસ્તકો, ભારત સરકારશ્રી દ્વારા સૂચિત રસીકરણ માર્ગ દર્શિકાઓ, વિશ્વ આરોગ્ય સંસ્થા અને યુનિસેફ દ્વારા પ્રકાશિત સાહિત્યના આધારે સંકલિત માહિતી છે જેને મેં મારા બાળરોગ નિષ્ણાંત તરીકે ના અનુભવને આધારે માતા પિતાના દ્રષ્ટિકોણને અનુલક્ષી પીરસી છે. વેબસાઈટનો મુખ્ય વૈજ્ઞાનિક સંદર્ભ ઈંડીયન એકાડમી ઓફ પિડીયાટ્રીક્સ દ્વારા વર્ષ 2009માં પ્રકાશિત બાળ રસીકરણ માર્ગદર્શિકા છે.

વેબસાઈટનો ઉપયોગ એક ઉપયોગી સાહિત્ય તરીકે વિષયલક્ષી સામાન્યજ્ઞાન વધારવા માટે કરી શકાશે.તબીબી જ્ઞાન સમય અને નવી શોધ સાથે સતત બદલાતુ રહે છે આથી વેબસાઈટની રચનામાં જાણ્યે-અજાણ્યે કોઈ જગ્યાએ અપાયેલી માહિતી જૂની-અધુરી કે ભૂલ ભરેલી હોઈ શકે છે. આથી જે તે સંજોગોમાં હાજર તબીબી વિશેષજ્ઞની અવલોકન આધારીત સલાહ અનુસાર નિર્ણયો લેવા નમ્ર વિનંતી છે.

વેબસાઈટની વૈજ્ઞાનિક બાબતોમાં ખામી ન રહી જાય એ માટે ખાસ સૂચનો કરવા માટે હું ડો. હર્ષદ તકવાણી નો આભારી છું. વેબસાઈટની ડીઝાઇન અંગેની મારી કલ્પના ને સાકાર કરવામાં મારા બે જીગરજાન મિત્રો ડો.ભરત કટારમલ અને નિલેષ સંઘાડીયાનો સિંહફાળો છે જેની ખાસ નોંધ લેવી ઘટે. વેબસાઈટની રચનામાં સહયોગ માટે. હું મારા વડીલ બંધુ મનિષભાઈ શાહ નો ખાસ આભારી છુ.

આ વેબસાઈટ પર મારા લેખોને સમાવવા માટે હું આલાપ ક્રિએટીવ કોમ્યુનિકેશન નો આભારી છુ. વેબસાઈટની રચનામાં માર્ગદર્શક બનવા વ્રોફીટ વેબ ટેકનોલોજીઝના વિમલ ભાઈનો અને જરુરી ગ્રાફિક સહાય માટે નિલેશભાઈ સંઘાડીયાનો ખાસ આભાર.