ડી. ટી. પી.

ડીપ્થેરીયા (ગલઘોંટુ) ડીપ્થેરીયાનો રોગ કોરીનોબેક્ટેરીયમ ડીપ્થેરી નામક બેક્ટરીયા થી થાય છે. આ રોગના બેક્ટેરીયા મુખ્યત્વે  હવા દ્વારા ચેપગ્રસ્ત મનુષ્યના સંસર્ગમાં આવતા તંદુરસ્ત મનુષ્ય માં ફેલાય છે. આ રોગ ના પ્રારંભિક લક્ષણોમાં દરદીને તાવ આવેછે – શરદી – સળેખમ – ગળામાં સખત દુઃખાવો થાય છે. ગળામાં કાકડા અને પાછળના ભાગે સફેદ કલરની છારી જોવા મળે છે જે આ રોગનુ મુખ્ય લક્ષણ છે.

આ સાથે ગળામાં છારીનુ પ્રમાણ વધતા ખોરાક ગળે ઉતારવામાં અને પછી શ્વાસ લેવામાં પણ તકલીફ સર્જાય છે. આવા દર્દીને ગળામાંની લસિકા ગ્રંથિમાં ખૂબ સોજો આવવાથી ગળુ બાહરથી ખૂબ સુજેલુ લાગે છે જેને અંગ્રેજી માં બુલ નેક તરીકે ઓળખાય છે. આવા દર્દીને તાત્કાલિક સારવારની જરુરત પડે છે જેમાં મુખ્ય દવા તરીકે બેક્ટેરીયાના વિષદ્રવ્ય સામે કામ કરતુ પ્રતિવિષદ્રવ્ય આપવુ પડે છે. ઘણા દર્દીને શ્વાસની તકલીફ હળવી કરવા શ્વાસનળીમાં છેદ કરીને એક શ્વસનનળી પણ મૂકવી પડે છે. દર્દી કદાચ શરુઆતની આ તકલીફોમાંથી હેમખેમ બચી જાય તો પણ લાંબા ગાળે બેક્ટેરીયાના વિષદ્રવ્યની અસરથી થતી રોગની અન્ય તકલીફો કે જેમાં હૃદય પર ઘાતક અસરો અને ચેતા નસો પર અસર થવાથી લકવા જેવી બિમારી સામે ક્યારેક જજૂમવુ પડે છે. સદભાગ્યે ઈ.સ. 1980 પછી રસીકરણને લીધે આ રોગના જૂજ કેસ નોંધાય છે. આમાંના મોટા ભાગના કેસ એવા બાળકોના હોય છે કે જેમના માતા પિતાએ આ રસીકરણ પ્રત્યે બેદરકારી દાખવી હોય અથવા રસીના પૂરતા ડોઝ લીધા ન હોય. પર્ટ્યુસીસપર્ટુયુસીસ નો રોગ બોર્ટાડેલ પર્ટ્યુસીસ નામક બેક્ટેરીયા થી થાય છે. આ રોગના બેક્ટેરીયા મુખ્યત્વે  હવા દ્વારા ચેપગ્રસ્ત મનુષ્યના સંસર્ગમાં આવતા તંદુરસ્ત મનુષ્ય માં ફેલાય છે. બાળકોમાં આરોગ સામાન્ય રીતે 3(ત્રણ)માસથી લઈને 5 (પાંચ) વર્ષ સુધી જોવા મળે છે. પરંતુ હમણા આ રોગના કેટલાક કેસો 10 વર્ષથી મોટામાં પણ જોવા મળે છે. આ રોગમાં પ્રારંભિક લક્ષણોમાં શરદી –સળેખમ અને હળવો તાવ હોય છે. આ સાથે ખાંસી શરુ થાય છે જે ધીમે ધીમે વધતી જાય છે.

આ ખાંસી સામાન્ય રીતે કંઈ પણ ખાવાની સાથે કે રમતમાં ઝડપથી શ્વાસ લેવા સાથે પણ શરુ થઈ જાય છે અને પછી ખૂબ લાંબો સમય સુધી બાળક ખાંસતુ રહે છે તેનો ચહેરો લાલઘુમ થઈ જાય છે અને તેને શ્વાસમાં તકલીફ પણ પડે છે. મોટાભાગના કિસ્સામાં બાળક ખાંસતા ખાંસતા એક ખાસ પ્રકારનો ઉંડો શ્વાસ લે છે જે આ રોગનુ ખાસ લક્ષણ છે તેને અંગ્રેજી માં વ્હુપ (whoop) કહેવાય છે આથી આ રોગને અંગ્રેજીમાં વ્હુપીંગ કફ (whooping cough)તરીકે ઓળખાય છે. આ રોગમાં ખાંસીની તકલીફ લાંબો સમય ચાલતી હોવાથી તેને ગુજરાતીમાં મોટી ઉધરસ તરીકે ઓળખાય છે. જો બાળક નાની વયનુ હોય અને રોગની ગંભીરતા વધુ હોય તો ઘણી વાર દાખલ પણ કરવુ પડે કારણકે રોગની અન્ય તકલીફો જેવીકે ન્યુમોનીયા- મગજમાં સોજો – મગજમાં લોહીની ગાંઠ થવી – નિર્જલન વિ. શિશુ માટે જાનલેવા સાબીત થતુ હોય છે.દુર્ભાગ્યવશ  ડી.પી.ટી.ની રસીના ત્રણ ડોઝ પછી પણ પર્ટ્યુસીસ રોગ સામે પેદા થતી રોગપ્રતિકારક શક્તિ 70 -90 % હોય છે જ્યારે આજ રસીના અન્ય બે રોગ ડીપ્થેરીયા અને ટીટેનસ સામે તે 95% થી પણ વધુ હોય છે.આથી કયારેક આ રોગના કિસ્સાઓ જોવા મળે છે. જોકે રસીકરણ થયેલા વ્યક્તિમાં તેની લાક્ષણિક તીવ્રતા પ્રમાણમાં ઓછી હોય શકે. ટીટેનસ (ધનુરવા)ટીટેનસનો રોગ ક્લોસ્ટ્રડીયમ ટીટેની બેક્ટેરીયા થી થાય છે. આ રોગના બેક્ટેરીયા ઘણા લાંબા સમય સુધી સુષુપ્તાવસ્થામાં વિવિધ સપાટીઓ પર જીવિત રહી શકે છે દા.ત. ધૂળ-માટી- સર્જીકલ સાધનો- કપડા(જે વારંવાર ધોવાતા ન હોય દા.ત.સ્વેટર/શાલ વિ.)- ઘરગથ્થુ વસ્તુઓ જે બીન વપરાશમાં પડી રહેતી હોય (દા.ત પતરાનો ડબ્બો)  વિ. આ બેકટેરીયા શરીરમાં પડેલા ઘા દ્વારા અંદર પ્રવેશે છે અને મૃત કોશિકાઓમાં વૃધ્ધિ પામે છે.

બેક્ટેરીયા દ્વારા પેદા થતુ એક ખાસ પ્રકારનુ વિષદ્રવ્ય શરીરના ચેતાતંત્રોની નસો પર અસર કરે છે અને તેથી શરીરના સ્નાયુઓ અનૈછિક રીતે અક્કડ થઈ જાય છે. આ રોગના દર્દીનુ શરીર વિવિધ પ્રકારની સામાન્ય ઉત્તેજનાઓ જેવીકે રુમમાં આવતો પ્રકાશ –હળવો અવાજ – હળવો સ્પર્શ પ્રત્યે પણ ખૂબ સંવેદનશીલ હોય છે અને આવી ઉત્તેજના સામે તેનુ શરીર એકદમ અક્કડ થઈ જાય છે. આ અક્કડ થવાને  લીધે દર્દીનુ સમગ્ર શરીર એક ધનુષની કમાન માફક વળી જતુ હોવાથી આ રોગનુ ગુજરાતી નામ ધનુરવા કે ધનુર પડેલુ છે. આવા રોગના દર્દીનુ મોં પણ સખત રીતે બંધ રહે છે અને ખાવા પીવાનુ કે બોલવાનુ શક્ય બનતુ નથી. આથી બધા દર્દીને હોસ્પીટલમાં દાખલ કરી સારવાર કરવી જરુરી બને છે. ઘણા ખરા આવા દર્દીઓને હોસ્પીટલમાં સમયસર સારવાર મળે અને રોગની ગંભીરતા ઓછી હોય તથા અન્ય તકલીફો ન સર્જાય તો બચાવી શકાય છે. આ રોગ નવજાત બાળકોમાં માતાએ જો સગર્ભાવસ્થામાં ટીટેનસના બે ડોઝ નુ રસીકરણ ન કર્યુ હોય અને પ્રસુતિની જગ્યાકે ક્રિયા માં જો યોગ્ય સફાઈ લક્ષી સાવધાની ન લેવાય (ખાસ કરીને ઘેર થતી પ્રસુતિમાં) તો પણ આ રોગ થાય છે અને આવા બાળકને બચાવવુ ખૂબ જ અઘરુ છે. આ સિવાય જે બાળકોને ત્રિગુણી રસી દ્વારા યોગ્ય રસીકરણ ન થયુ હોય અને ઈજા પહોંચે- કે કાનમાં રસી થાય  તો પણ આ રોગનો ચેપ લાગી શકે છે.

રસીનો પ્રકાર અજીવ રસી
આપવાની ઉંમર દોઢ માસે – અઢી માસે – સાડા ત્રણ માસે બુસ્ટર - દોઢ વર્ષ અને પાંચ વર્ષ ઉંમરેઅન્ય રસીકરણ પણ સાથે આપી શકાય છે.
કુલ ડોઝ 5 (0.5ml)દોઢ માસે, અઢી માસે, સાડા ત્રણ માસે, દોઢ વર્ષ, પાંચ વર્ષ
ક્યાં અપાય છે પગમાં સાથળના ઉપરના બાહ્ય ભાગ પર સ્નાયુમાં
કેવી રીતે અપાય છે સ્નાયુમાં (intramuscular)

ધ્યાન રાખવા જેવી બાબતો

 1. ડી.પી.ટી. રસીકરણ પછી સામાન્યતઃ બાળકને ઈન્જેકશનની જગ્યાએ દુઃખાવો કે સોજો આવી જતો હોય છે. મોટા ભાગના બાળકોને 24 થી 72 કલાક સુધી તાવ આવે છે જે રસીકરણ દ્વારા રોગ પ્રતિકારક શક્તિ પેદા થવાની ઘટનાનો એક ભાગ જ છે.આ તાવ માટે આપ ડોકટરની સલાહ અનુસાર યોગ્ય ડોઝમાં પેરાસીટામોલ દવા આપી શકો છો જે તાવ તેમજ દુઃખાવામાં રાહત પહોંચાડે છે. જો પગમાં વધુ દુઃખાવો થતો હોય તો બરફ ઘસી શકાય છે.
 2. ભાગ્યેજ ક્યારેક કોઈ બાળકને ડી.પી.ટી રસીકરણ પછી ખૂબ રડવાનુ(સતત 3 કલાક કે તેથી વધુ) ખૂબ તાવ(105 ફેરન્હીટ કે થી વધુ) કે ખેંચ આંચકી પણ આવી શકે છે. જો કોઈ બાળક્ને આવું બનતુ લાગે તો તાત્કાલિક ડોકટરનો સંપર્ક કરવો. આ રસીકરણની જ પર્ટુસીસ ભાગથી થતી એક અત્યંત જૂજ કિસ્સામાં બનતી આડ અસર છે. આવા બાળકને પછીથી ભવિષ્યમાં રસીકરણ માં ડી.ટી.ની રસી આપવી હિતાવહ રહે છે.
 3. ડી.પી.ટી. રસીકરણથી બાળક્ને ક્યારેક ઈન્જેકશનની જગ્યાએ નાની ગાંઠ જેવુ થઈ શકે જે રસીકરણ ની સામાન્ય આડ અસર ગણી શકાય અને આ માટે ખાસ કશુ કરવાનુ હોતુ નથી. માત્ર એક વખત નિદાન પૂરતી ડોક્ટરની સલાહ લઈ જોવી હિતાવહ છે.
 4. ડી.પી.ટી. ના ઉંમર અનુસાર યોગ્ય ડોઝ(ઓછામાં ઓછા ત્રણ)  લીધેલા બાળકને સામાન્યતઃ દરેક સામાન્ય ઈજા બાદ કે ઓપરેશન પહેલા ધનુરનુ ઈન્જેક્શન લેવુ જરુરી નથી. પરંતુ આ માટે આપના બાળ રોગ નિષ્ણાતની સલાહ લઈને નિર્ણય લેવો જેથી ચોક્કસતા વધે.
 5. ડી.પી.ટી. ના પ્રાથમિક ડોઝની સરખામણીએ બુસ્ટર ડોઝમાં તાવ અને પગનો દુઃખાવો થોડો વધુ થતો હોય છે તો આ માટે ડોક્ટરની સલાહ અનુસાર પેરાસીટામોલ દવા અને બરફનો શેક કરવો હિતાવહ છે.
 6. સંયુક્ત રસીકરણ (કોમ્બીનેશન રસીઓ) ના વિકલ્પો યોગ્ય રીતે સમજી ને મુકાવવાથી બાળકને વધારે સોય ખાવામાંથી મુક્તિ મળે છે.

નવીનત્તમ ડી.ટી. એપી  (D.T.aP) શું છે ?ડી.પી.ટીની રસી જે સામાન્યતઃ અત્યાર સુધી વાપરવામાં આવે છે તેને ડી.ટી. ડબ્લ્યુ પી. (D.T.wP) તરીકે ઓળખાય છે. અહીં ડબ્લ્યુ(w) નો અર્થ પર્ટ્યુસીસ નો સંપૂર્ણ મૃત કોશિકા ભાગ કરવામાં આવે છે. ડી.પી.ટીની રસીકરણની સાથે જોડાયેલી કેટલીક આડ અસરો માટે આ પર્ટુસીસ ભાગને જવાબદાર માનવામાં આવે છે . આથી શોધ સંસોધનો બાદ આ પર્ટ્યુસીસ ભાગના પ્રકારને થોડો બદલી કોષ રહિત (acellular) બનાવાયો જેથી કરીને ડી.પી.ટી.ની રસીની આ આડ અસરોને ટાળી શકાય. વૈજ્ઞાનિક અભ્યાસોથી જાણવા મળેલ માહિતી અનુસાર આ પ્રકારની નવીનત્તમ રસી (D.T.aP) દ્વારા ડી.પી.ટી.(D.T.wP) ની સામાન્ય આડ અસરો (તાવ –દુઃખાવો વિ.) ઘણી ઓછી  જોવા મળેલ છે. જોકે રસીકરણ દ્વારા પેદા થતી રોગપ્રતિકારક શક્તિની બાબતે બંને રસીઓ સમાન છે. હાલ ભારતમાં ઉપલબ્ધ આ રસી સામાન્ય રીતે કોમ્બીનેશન રસીના સ્વરુપે અન્ય રસી સાથે મિશ્રીત મળે છે અને આ માટેના વિકલ્પો આપના ડોક્ટર સાથે ચર્ચા કરીને નિર્ણય લેશો. હાલમાં ઉપલબ્ધ આ રસીઓ જૂની ડી.ટી. ડબ્લ્યુ પી (D.T.wP) રસીની સરખામણીએ બમણી કિંમત ધરાવે છે જે પાસુ ગણતરીમાં લેવુ. આ સંદર્ભે ઈંડીયન એકાડમી ઓફ પિડીયાટ્રીકસની સલાહ – રોગ પ્રતિકારક શક્તિ પેદા કરવાની બાબતે નવીનત્તમ રસી (D.T.aP) તેના જૂના વિકલ્પથી જરા પણ આગળ પડતી નથી. તેની આડ અસરો જૂના વિકલ્પ કરતા ચોક્કસ ઓછી છે. જોકે જૂની રસી વડે પણ થતી ગંભીર આડ અસરો પણ ભાગ્યેજ જોવા મળે છે. નવીનત્તમ રસી હાલ માતા-પિતા સાથે ચર્ચા કરીને જો માતા-પિતા અનુરોધ કરે તો તેમના બાળકને આપી શકાય છે.આ સિવાય જે બાળકને અગાઉ જૂની (D.T.wP) રસી દ્વારા ગંભીર આડ અસર થઈ હોય તેમને ભવિષ્ય ના રસીકરણ માટે નવીનત્તમ રસી (D.T.aP) એક સારો વિકલ્પ ગણી શકાય. (સંદર્ભ – IAP Guide Book on Immunization 2009 edition, chapter 4, pg 29-30.)ડી.પી.ટી રસીઓની કોમ્બીનેશન રસીઓ(એકસાથે એકજ સોય થી અપાતી રસીઓ)

 1. ડી.પી.ટી. + હીબ + હીપેટાઈટીસ-બી
 2. ડી.પી.ટી. + હીપેટાઈટીસ-બી
 3. ડી.પી.ટી. + હીબ
 4. ડી.પી.ટી.- નવીનત્તમ + હીબ + પોલિયો ઈંજેક્શન
 5. ડી.પી.ટી.- નવીનત્તમ+ હીપેટાઈટીસ-બી + પોલિયો ઈંજેક્શન
 6. ડી.પી.ટી.- નવીનત્તમ+ હીપેટાઈટીસ-બી +હીબ + પોલિયો ઈંજેક્શન

ઉપરોક્ત રસીઓ અંગે વિસ્તૃત ચર્ચા આપના બાળ રોગ વિશેષજ્ઞ સાથે કરવી. ડી.ટી.(D.T.)  રસી જો કોઈ બાળકને અગાઉ જૂની (D.T.wP) રસી દ્વારા ગંભીર આડ અસર થઈ હોય તેમને ભવિષ્ય ના રસીકરણ માટે ડી.ટી. રસી આપી શકાય જેમાં પર્ટ્યુસીસ ભાગ ન હોવાથી આડ અસરોની સંભાવના રહેતી નથી. તેનુ રસીકરણ ડી.પી.ટી માફક જ કરી શકાય છે. ટી.ડી. (Td) અને ટીડી.એપી (Tdap)રસી દસ વર્ષે અને પંદર વર્ષે જ્યારે અગાઉ માત્ર ટીટેનસ (ધનુરની રસી) (T.T) વપરાતી ત્યાં હવે માત્ર ધનુરને બદલે ડીપ્થેરીયા અને પર્ટ્યુસીસ ની રસી પણ જરુરી છે તેવી ભલામણ વિવિધ વૈજ્ઞાનિક સંસ્થાઓ એ કરી છે. આ રસીઓ માં ડીપ્થેરીયા અને પર્ટુય્સીસના ભાગોનુ પ્રમાણ બાળકો માટેની ડી.પીટી (D.T.wP) થી ઘણુ ઓછુ હોય છે જ્યારે ટીટેનસ ના ભાગનુ પ્રમાણ મૂળ રસી જેટલુ જ હોય છે.