એમ.એમ.આર.

આ રસી કુલ ત્રણ રોગ Measles (ઓરી) Mumps (ગાલ પચોળિયુ ) અને  rubella (નૂર બીબી) થી બચાવ કરે છે. ત્રણેય રોગના નામના પ્રથમ અક્ષરોથી રસીનુ ત્રિ-અક્ષરીય નામ બનેલ છે. આ રસી ઓરીના રોગના બુસ્ટર ઈંજેકશન તરીકે કામ કરે છે જ્યારે અન્ય બંને રોગ માટે તે એક જ વારમાં રોગ પ્રતિકારક શક્તિ પ્રદાન કરે છે.

ત્રણેય રોગ વિશેગાલ પચોળિયુઆ એક વાઈરસ થી થતો ચેપી રોગ છે. હવા થી ફેલાતો આ રોગ મનુષ્યની છીંક કે ઉધરસમાં નીકળેલા સૂક્ષ્મ બુંદોથી ફેલાય છે. શરુઆતી લક્ષણોમાં બાળકને શરદી-તાવ-તૂટ-કળતર થાય છે. આ બાદ માં બે દિવસની અંદર બાળકને ગાલના બંને અથવા એક બાજુએ કાન આગળના ભાગે સોજો દેખાય છે- જે આ જગ્યાએ આવેલી પેરોટીડ- લાળ ગ્રંથિ પરના સોજાને લીધે હોય છે. મોટા ભાગના બાળકોને આનાથી કોઈ ખાસ દુઃખાવો નથી થતો પરંતુ ક્યારેક ખાટુ ખાવામાં આવે તો થોડુ દુઃખે છે.મોટા ભાગના દર્દીઓને આ પછી ધીરેધીરે બધા લક્ષણો ઓછા થઈ જાય છે અને રોગ મટી જાય છે. પરંતુ કેટલાક  દર્દીઓને(1%) ક્યારેક આ રોગની ગંભીર તક્લીફો નો સામનો પણ કરવો પડે છે. આ તકલીફો માં છોકરાઓમાં અંડકોષ(ગોળી) પર સોજો - માથાનો સખત દુઃખાવો –ડોકનો દુઃખાવો-ખેંચ-બહેરાશ-કિડની પર સોજો વિ. મુખ્ય છે. આ રોગની અંડકોષ(ગોળી)પરની અસરથી  થી ક્યારેક છોકરાઓમાં કાયમી વંધ્યત્વ પણ આવી શકે છે. કેટલાક દર્દીઓને આ રોગમાં નાના દાણા પણ નીકળી શકે. સામાન્ય સારવાર અને બિમારીની ગંભીર અસરો માટે સતત સજાગ રહેવાથી મોટાભાગના દર્દીઓ સાજા થઈ જતા હોય છે. જે દર્દીઓને કોઈ ગંભીર અસર જનાય તેને વિશેષ સારવાર કે હોસ્પીટલાઈઝેશન જરુરી બને છે.નૂરબીબીઆ પણ વાઈરસ જન્યરોગ છે જે હવાથી ફેલાય છે. પ્રમુખ લક્ષણોમાં તાવ-ટૂટ–કળતર વિ. થયા પછી શરીર પર દાણા નીકળે છે અને શરીરની વિવિધ લસિકા ગ્રંથીઓ માં સોજો આવે છે ખાસ કરીને માથાની પાછળના ભાગે, ડોકના ભાગે વિશેષ જોવા મળે છે. સામન્યતઃ તંદુરસ્ત બાળકોમાં આ રોગની અન્ય કોઈ ગંભીર અસર જોવા મળતી નથી. પરંતુ જો કોઈ ગર્ભવતી સ્ત્રી શરુઆતી મહિનાઓમાં આ રોગનો ચેપ લાગે તો આવી સ્ત્રીના ગર્ભસ્થ શિશુને ખૂબ ગંભીર અસર પહોંચી શકે છે. આવુ શિશુ ઘણી બધી જન્મજાત ખોડ ખાંપણો સાથે જન્મે છે જેમાં આંખોમાં મોતિયો- કાને બહેરાશ- ઓછુ વજન- હૃદયની ખામી- વિ. મુખ્ય છે. આ ખોડ ખાંપણોને લીધે શિશુને ઘણી તકલીફો સહન કરવી પડે છે અને તેનો શારીરીક તેમજ માનસિક વિકાસ રુંધાઈ શકે છે. આ મુખ્ય તકલીફ ને ધ્યાન રાખીને કિશોરીઓનુ ક્યારેક આ રોગ માટે વિશેષથી રસીકરણ પણ કરાય છે જેથી તેમની ભાવિ સંતતિને સુરક્ષિત કરી શકાય.    ઓરી - ઓરી વિશે આ પેઈજ પરથી વાંચશો.

રસીનો પ્રકાર જીવિત રસી (Live attenuated vaccine)
આપવાની ઉંમર અને ડોઝ કુલ 2 ડોઝ પંદર (15)માસની ઉંમરે, 5 વર્ષે
ક્યાં અપાય છે સાથળ માં ઉપરના બાહ્ય ભાગ પર
કેવી રીતે અપાય છે 0.5 ml / dose ત્વચાની નીચે (subcutaneously)

ધ્યાન રાખવા જેવી બાબતો

  1. એમ.એમ.આરની રસી ના એક ડોઝ થી 95%માં રોગ પ્રતિકારક શક્તિ પેદા થાય પરંતુ બે ડોઝ થી આ અંક 99% સુધી પહોંચાડી શકાય છે આથી ઈંડીયન એકાડમી ઓફ પિડીયાટ્રીક્સ દ્વારા હાલ બે ડોઝની ભલામણ કરવામાં આવી છે.
  2. આ રસી કિશોરીઓને અપાવવાથી તેમના ભાવિ સંતાનોને નૂરબીબીની ગંભીર અસરોથી બચાવી શકાય છે. જ્યારે છોકરાઓને તે ગાલપચોળિયાની ગંભીર અસર-વંદ્યત્વ થી બચાવી શકાય છે.
  3. ઘણા ખરા પશ્ચિમના દેશો માં ખાસ કિશોરીઓના એમ.એમ.આર. રસીકરણ કે રુબેલા રસીકરણ વિશે નો આગ્રહ રખાય છે. આથી વિદેશ ભણવા જતી વિદ્યાર્થીનીઓએ ખાસ આ રસીકરણ કરાવી લેવુ અને એ માટેનુ જરુરી સર્ટીફિકેટ પણ વિશેષજ્ઞ પાસેથી મેળવી લેવુ હિતાવહ છે. ઘણા એડમીશન / ઈમીગ્રેશન ડોક્યુમેંટ માં એ પણ જોડવુ પડે છે.
  4. આ રસીમાં સામન્યતઃ દુઃખાવો કે તાવ જેવી આડ અસરો ઓછી જોવા મળે છે.
  5. આ રસીની આડ અસર રુપે ક્યારેક ભાગ્યેજ કેટલાક કેસમાં ગંભીર રીએકશન આવવાથી બાળકનુ બી.પી. ઘટી જાય કે શ્વાસ રંધાવા લાગે તેવુ પણ બની શકે છે.આથી આ રસીકરણ વિશેષજ્ઞની હાજરીમાં અને તાત્કાલિક સુવિધા આપવાનુ શક્ય હોય તેવા સ્થળો કે હોસ્પિટલમાં જ કરવુ જોઈએ.