અછબડા (ચિકનપૉક્સ)

અછબડાના રોગ સામેની રસી ઘણા સમયથી ભારતમાં અને અન્ય દેશોમાં ઉપલબ્ધ છે અને તેની અસરકારકતા પણ ઘણી સારી છે. આ રસી હાલ ભારતીય રસીકરણમાં પ્રારંભિક રસીકરણ માં સામેલ નથી પરંતુ ઈંડીયન એકાડમી ઓફ પિડીયાટ્રીક્સ દ્વારા આ રસી માતા-પિતાને યોગ્ય સમજ બાદ જો જરુર જણાય અને આર્થિક રીતે પરવડે તો જે-તે બાળકને આપવાનુ કહેવાયુ છે.

અછબડા રોગ વિશે

અછબડા એ વાઈરસના ચેપથી થતો રોગ છે જે હવા દ્વારા અને ચામડી થી ચામડીના સ્પર્શથી ફેલાય છે. આ વાઈરસનો ચેપ સગર્ભા માતા દ્વારા ગર્ભસ્થ બાળકને પણ લાગી શકે છે અને ઘણી વાર એનાથી ગર્ભસ્થ શિશુને નુકશાન પહોંચી શકે છે. આ રોગનો ફેલાવો સામાન્યરીતે ડીસેમ્બરથી એપ્રીલ સુધી શિયાળાના સમયગાળામાં જોવા મળે છે જ્યારે વાઈરસજન્ય રોગનું પ્રમાણ વધુ જોવા મળતુ હોય છે. અન્ય વાઈરસજન્ય રોગની માફક આમાં પણ તાવ-શરદી-ઉધરસ-તૂટ- કળતર જોવા મળે છે. આ પછી બાળકને શરીર પર મોટા દાણા જોવા મળે છે આ દાણામાં પાણી ભરાયેલુ જોવા મળે છે અને આ દાણામાં ખૂબ ખંજવાળ આવે છે આથી જાણ્યે-અજાણ્યે આ દાણા ફૂટી જવાથી તે જગ્યાએ નવી ચામડી આવે ત્યારે ડાઘ રહી જાય છે. આ રોગ મોટા ભાગે આઠ થી દસ દિવસમાં સંપૂર્ણ પણે મટી જતો હોય છે. પરંતુ ક્યારેક રોગની અન્ય સમસ્યાઓ પણ જોવા મળે છે આમાં મગજમાં સોજો- કિડની પર અસર- પેટમાં સોજો વિ. પ્રમુખ છે પરંતુ આ પ્રકારની સમસ્યાઓનું પ્રમાણ ખૂબ ઓછુ જોવા મળે છે.

રસીનો પ્રકાર જીવિત રસી (Live attenuated vaccine)
આપવાની ઉંમર અને ડોઝ પંદર (15)માસની ઉંમર પછી
કુલ ડોઝ 1 (0.5 ml / dose)
ક્યાં અપાય છે સાથળ માં ઉપરના બાહ્ય ભાગ પર
કેવી રીતે અપાય છે ત્વચાની નીચે (subcutaneously)

યાદ રાખો

અછબડાનો રોગ પ્રમાણમાં ઓછો ગંભીર છે અને તેની ગંભીર અસરો પ્રમાણમાં ઓછી છે વળી આ રસી ની કિંમત અન્ય રસીના મુકાબલે વધુ છે આથી ભારતમાં આ રસીકરણ વિશે ખાસ ભાર અપાતો નથી પરંતુ આ રોગ હંમેશા જાન્યુઆરીથી એપ્રીલમાં જોવા મળે છે જે ગાળો સામાન્ય રીતે શાળાઓમાં પરીક્ષાઓનો હોય છે અને કોઈ વાર દસ દિવસની માંદગી અભ્યાસ પર અસર પડી શકે બની શકે છે . વળી આ રોગમાં નીકળતા દાણાને લીધે જે ડાઘ ઘણા કિસ્સામાં(ખાસ કરીને જો ચહેરા પર) રહી જાય છે તો તેના લીધે ઘણી સૌંદર્ય વિશે સભાન કિશોરીઓમાં લઘુતાગ્રંથિની ભાવના આવતી પણ જોવા મળે છે.

ધ્યાન રાખવા જેવી બાબતો

અછબડાની રસી હંમેશા પંદર માસ (15)ની ઉંમર પછી જ મૂકાવવી. આનાથી વહેલી મુકાવવાથી રસીની પૂરતી અસર થતી નથી.આ રસી હાલ તંદુરસ્ત બાળકોના કિસ્સામાં ઈંડીયન એકાડમી ઓફ પિડીયાટ્રીક્સ દ્વારા માતા-પિતાની સાથે યોગ્ય ચર્ચા કરીને જો આર્થિક રીતે પરવડે તો જ આપવાની ભલામણ કરવામાં આવેલી છે.

આ રસી કેટલાક ખાસ કિસ્સાઓમાં ચોક્કસ અપાવવાની ભલામણ ઈંડીયન એકાડમી ઓફ પિડીયાટ્રીક્સ દ્વારા કરવામાં આવેલી છે.

ખાસ પ્રકારના બાળકો

 1. જન્મજાત ઓછી રોગ પ્રતિકારક શક્તિ ના રોગ ગ્રસ્ત શિશુ
 2. એચ. આઈ.વી. ગ્રસ્ત
 3. કેંસર માટે કે અન્ય રોગ માટે ઈમ્યુનોસપ્રેસીવ થેરાપી પર હોય તેવા બાળકો
 4. અવયવ પ્ર્ત્યારોપણ કરાવેલા બાળકો
 5. લાંબાગાળા માટે સેલિસાયલેટ દવા લેનારા બાળકો
 6. હૃદયની કે ફેફસાની ગંભીર બિમારી થી પીડાતા બાળકો
 7. કિડનીની ખામી- નેફ્રોટીક સિંડ્રોમ વાળા બાળકો
 8. ડાયાબીટીસ વાળા બાળકો

આવા ખાસ બાળકોને જો માતાપિતાને આર્થિક રીતે પરવડે તો અછબડાની રસી આપવી હીતાવહ છે.

 1. આ સિવાય અન્ય કિશોરો અને વયસ્કોને કે જે આ રોગ થવાની વધુ સંભવના ધરાવતા વ્યવસાયમાં હોય જેમકે શિક્ષકો કે ડોક્ટરો- જો તેમને અગાઉ અછબડા નો ચેપ ન લાગેલો હોય તેમને પણ આ રસી જો આર્થિક રીતે પરવડે તો મૂકાવવાની ભલામણ કરવામાં આવે છે.
 2. આ રસીમાં સામાન્ય રીતે તાવ કે દુઃખાવા જેવી આડ અસરો ખૂબ જૂજ કેસમાં થાય છે.
 3. જો કોઈ અછબડા ગ્રસ્ત વ્યકિત કે બાળકનો સંપર્ક થાય તો સગર્ભા સ્ત્રીઓ સિવાયના લોકો આ રસી મૂકાવી રોગથી બચી શકે છે જો આ રસી સંપર્કના ત્રણ દિવસમાં આપવામાં આવે તો 90% અને પાંચ દિવસમાં આપવામાં આવે તો 70% લોકોને રોગ થતો અટકાવી શકાય છે.આ સિવાય આ માટે ખાસ કિસ્સામાં અછબડા વિરોધી ઈમ્યુનોગ્લોબીન નામક પ્રતિદ્રવ્ય પણ આપી શકાય છે.
 4. સગર્ભા સ્ત્રીઓ અને કેટલાક ખાસ કિસ્સાઓમાં નવજાત શિશુઓને અછબડા ના રોગી સાથે સંપર્ક પછી અછબડા રોગ વિરોધી ઈમ્યુનો ગ્લોબીન આપવુ જરુરી બને છે જે માટે તબીબી વિશેષજ્ઞનો સંપર્ક કરવો જરુરી છે.
 5. અમેરીકાના રસીકરણ પત્રક મુજબ ત્યાંના બાળકોને આ રસીના કુલ બે ડોઝ આપવામાં આવે છે. જે ભારતમાં માત્ર 13 વર્ષ કે તેથી મોટી વયના કિશોરો અને વયસ્કોમાં કરાય છે.

અછબડાની રસીની અસરકારકતા

અછબડાની રસી ઘણી અસરકારક છે એક ડોઝ પછી સામાન્ય રીતે 95%ને રોગ થવાની સંભાવના રહેતી નથી. અને કદાચ કોઈને જો આ રોગની અસર થાય તો પણ એ ઘણી હળવી અને સામાન્ય હોય છે.